Imp News for PAN Card Holders



પાનકાર્ડ ધારકો માટે એકદમ અગત્યના સમાચાર,…
તમારું પાનકાર્ડ સરકાર રદ કરી દેશે!
હાલ સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડ મોબાઇલ નંબર અને બેન્ક ખાતાં સાથે લિંક કરવાના સરકારના આદેશને પડકારતી ઢગલાબંધ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ સરકારની તરફેણમાં ચુકાદો આપશે તો આધારકાર્ડ લિંક કરવા માટે સરકાર 3થી 6 મહિનાનો સમય આપશે. સમયમર્યાદા પૂરી થયા બાદ સરકાર લિંક નહીં થયેલાં તમામ પાનકાર્ડને રદ કરી શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, લિંક નહીં થયેલાં પાનકાર્ડ રદ કરી નાખવાથી તમામ બનાવટી પાનકાર્ડ સિસ્ટમમાંથી દૂર થશે અને બેનામી વ્યવહારો અટકી જશે. અત્યારે આવકવેરા વિભાગે પાનકાર્ડ સાથે આધારકાર્ડ જોડવાની મુદત 31 ડિસેમ્બર સુધી આપી રાખી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સંકેત આપ્યો છે કે તે સમયમર્યાદા લંબાવીને 31 માર્ચ 2018 કરવા માગે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ પાનકાર્ડ સાથે આધારકાર્ડ ફરજિયાત જોડવાનાં સરકારનાં વલણને માન્યતા આપી તરફેણમાં ચુકાદો આપે અને પ્રસ્તાવિત સમયમર્યાદા સાથે સંમત થાય તો સરકાર કરદાતાઓને આધારકાર્ડ લિંક કરવા માટે 3થી 6 મહિનાનો વધારાનો સમય આપી શકે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, અમે 31મી ડિસેમ્બર પછી પાન સાથે આધાર લિંક કરવા માટે 3થી 6 મહિનાનો સમય આપી શકીએ છીએ. સમયમર્યાદા બાદ પણ પાનને આધાર સાથે લિંક નહીં કરાય તો તે પાનકાર્ડ અમાન્ય બની જશે. ગયા મહિને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તે આધાર લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી લંબાવવા ઇચ્છે છે. સરકારે વર્ષથી આઈટી રિટર્ન અને નવું પાનકાર્ડ મેળવવા માટે આધારનંબર ફરજિયાત બનાવી દીધો છે.
આવકવેરા કાયદો કહે છે કે, 1 જુલાઈ 2017ના રોજ પાનકાર્ડ ધરાવતી દરેક વ્યક્તિએ આવકવેરા વિભાગમાં આધારનંબર લિંક કરવો ફરજિયાત છે.
33 કરોડ પાનકાર્ડમાંથી 13.28 કરોડ આધાર સાથે જોડાયાં
અધિકારીએ જણાવ્યું હતું કે, નવેમ્બર 2017 સુધીમાં 30 કરોડ પાનકાર્ડમાંથી 13.28 કરોડને આધાર સાથે લિંક કરી દેવાયાં છે. બાકી કરવેરો ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરતાં તત્ત્વો દ્વારા ઉપયોગમાં લેવાતાં ડુપ્લિકેટ પાન અને આધારકાર્ડ નાબૂદ કરવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે.
બનાવટી પાનકાર્ડ અર્થતંત્ર માટે ભયજનક
અધિકારીએ જણાવ્યું હતું કે, બનાવટી પાનકાર્ડ અર્થતંત્ર માટે ભયજનક બની રહ્યાં છે. બનાવટી પાનકાર્ડ દ્વારા બેન્કમાં ખાતાં ખોલાવી તેમાં આર્થિક વ્યવહારો કરાય છે પરંતુ રિટર્ન ફાઇલ કરાતાં નથી જે એક ચિંતાજનક બાબત છે.