ParshuRam Jyanti



ભગવાન પરશુરામ જયંતિ
ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ  જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.
પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.
એક લોકપ્રિય શ્લોક છે,
अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः |
कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः ||
હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વખત ઘોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડયા. તેણે ઋષિની કામધેનુ ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી, એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યો. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત ભયંકર ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.
સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.
માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યાં. પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી.
પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી. ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.


ખાસ નોંધ: આ પોસ્ટ મુકવાનો હેતુ માત્ર ને માત્ર ધાર્મિક બાબતોનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે. કોઈની ધાર્મિક લાગણી દુભાતી હોય તો માફ કરશો. અને કોઈ માહિતી માં કોઈ ક્ષતિ હોય તો અમારું ધ્યાન અવશ્ય દોરશો.