LED બલ્બની જેમ વીજળી બચાવતા AC લાવવાની સરકારની યોજના
આગામી વર્ષથી સસ્તી કીંમતના AC લોકોને સરળ હપ્તે ઉપલબ્ધ થશે
નવી દિલ્હી,
તા. 25 એપ્રિલ 2017, મંગળવાર
એલઇડી બલ્બની જેમ જ હવે સરકાર વીજળીની બચત કરતા AC વેચવાની યોજના બનાવી રહી છે. ખાસ વાત એ છે કે આવા AC માસિક હપ્તે આપવામાં આવશે. ઉપરાંત સરકાર ઝીરો ડાઉન પેમેન્ટ પર આ AC ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિચારી રહી છે.
એનર્જી એફિશિયન્સી સર્વિસીઝ લિમિટેડ(EESL)એ વીજળી કંપનીઓ સાથે મળીને આવા 1 લાખ AC ખરીદી પણ લીધાં છે. જોકે હાલ તેમની કિંમત વધારે હોવાથી AC સરકારી ઓફિસો,
ATM, રેલવે સ્ટેશન વગેરે જગ્યાઓએ મૂકવામાં આવશે. જાણકારો અનુસાર હાલમાં 5 સ્ટાર રેટીંગવાળા ACની કિંમત આશરે 40 હજારથી 60 હજારની વચ્ચે છે. 2018માં આવા AC 30 હજારથી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવાની સરકારની નેમ છે. EESLના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ કુમારના જણાવ્યા અનુસાર હાલમાં બજારમાં ફાઇવસ્ટાર રેટીંગવાળા AC પણ 3.7 સ્ટાર રેટીંગ બરાબર વીજળીની બચત કરે છે. સરકાર ઇચ્છે કે દેશમાં 5.3 સ્ટાર રેટીંગવાળા AC ઉપલબ્ધ બને. આવા AC 40 ટકા સુધી વીજળીની બચત કરે છે. હાલ ખરીદેલા AC સપ્ટેમ્બર સુધી સપ્લાય કરવામાં આવશે. ત્યારબાદ નવા AC ખરીદવાની તૈયારી થશે. આગામી ખરીદી કેટલા ACની કરવી એ અંગે વિચાર થઇ રહ્યો છે. કિંમત ઓછી પડે એટલા માટે વધારે સંખ્યામાં ACની ખરીદી થઇ શકે છે. આનો સીધો ફાયદો લોકોને થશે.
આટલા મોંઘા AC ખરીદ્યા પહેલાં લોકોને તે જોવાની પણ જિજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે. એ સંજોગોમાં સરકાર તરફથી શોરૂમ ખોલવામાં આવે તેવી શક્યતા પણ છે. સૌરભ કુમારના જણાવ્યા અનુસાર AC વેચવાની સિસ્ટમમાં થોડો ફેરફાર થશે. અગાઉ સરકારે વીજળીની બચત કરવા બલ્બ અને ટ્યૂબલાઇટના સ્થાને LED બલ્બ લગાવવાનું કહ્યું હતું. આ નિર્ણય બાદ સરકારે LED લાઇટ્સ વેચી પણ હતી. અત્યાર સુધીમાં સરકાર 23 કરોડ LED બલ્બ વેચી ચૂકી છે. ઉપરાંત વીજળીની બચત કરતા 7 લાખ પંખા અને 13 લાખ ટ્યૂબલાઇટ્સ પણ સરકારે વેચી છે.
ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલો
ઓફિસિયલ રીપોર્ટ જોવા અહીં ક્લિક કરો