Exam Warriors By PM Modi



PM મોદીના  મંત્રોથી દૂર થશે એક્ઝામનો સ્ટ્રેસ
વડા પ્રધાન મોદીએ લખેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સનું શનિવારે વિમોચન કરવામાં આવ્યું હતું. વર્ષે સ્કૂલ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ માર્ચ મહિનામાં આવી રહી છે તે પહેલાં મોદીએ તેમનાં પુસ્તકમાં પરીક્ષાની ચિંતાથી કેવી રીતે મુક્ત રહેવાય તેની ટિપ્સ વિદ્યાર્થીઓને આપી છે.
મોદીએ લખ્યું છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરવા રાત્રે ઉજાગરા કરવાની કે ચિંતા કરવાની જરૂર નથી તેમણે કોઈપણ જાતની ચિંતા વિના પરીક્ષા આપવી જોઈએ. પરીક્ષાના માર્કસ કરતા તેમને મળતું જ્ઞાન મહત્ત્વનું છે તેવી સમજ તેમાં અપાઈ છે.
મોદીનું પુસ્તક બિન ઉપદેશાત્મક અને વ્યવહારૂ તેમજ વિચારલક્ષી અને પ્રેરક છે તેવો દાવો પુસ્તકનાં પ્રકાશક પેંગ્વિન દ્વારા કરવામાં આવ્યો છે. પુસ્તકને હાલ અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરાયું છે પણ તેને દેશની અનેક ભાષામાં પ્રસિદ્ધ કરાશે.
વિશ્વનાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી ટિપ્સ
મોદીને દર મહિને રેડિયો પર કરવામાં આવતી મન કી બાતમાટે મળેલા સૂચનો પરથી પુસ્તક લખવાની પ્રેરણા મળી હતી. તેમણે સૌ પહેલા 2015માં અને તે પછી 2016 તેમજ 2017ની પરીક્ષા વખતે મન કી બાતમાં વિદ્યાર્થીઓને ચિંતા કર્યા વિના પરીક્ષાની તૈયારી કરવા અને પરીક્ષા આપવા સલાહ આપી હતી.પુસ્તક એક્ઝામ વોરિયર્સમાં ભારતનાં તેમજ આખા વિશ્વનાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી ટિપ્સ આપવામાં આવી છે. પુસ્તકમાં સચિન તેંડુલકર અને અબદુલ કલામનું ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન પરોવવા અને લક્ષ્યાંકો હાંસલ કરવાની લગન રાખવા કહેવાયું છે.
પરીક્ષા પછી કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી તેનું નિરૂપણ
મોદીએ તેમનાં પુસ્તકમાં વાલીઓને પણ ચિંતા અને તણાવમુક્ત રહેવા અને તેમના સંતાનો અભ્યાસમાં હોશિયાર હોય કે હોય તો પણ જેવા હોય તેવા સ્વીકારવા સલાહ આપી છે. મોદીએ લખ્યું છે કે સંતાનો પાસેથી વધુ આશા રાખવાને બદલે તેમને જેવા હોય તેવા સ્વીકારો.
પુસ્તકમાં પરીક્ષા પછી કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી અને કેવી રીતે યોગ કરવા તેની વાત કરવામાં આવી છે. ઉદાહરણો અને ચિત્રો સાથે તેનું નિરૂપણ કરાયું છે. વાલીઓને કહ્યું છે કે યુવાન સંતાનોનાં મિત્રો બનો અને જીવનનો સામનો કરતા તેમને શીખવો. ચિંતાથી મુક્ત રહેવા વિદ્યાર્થીઓને યોગના આસનો કરવા અને પ્રાણાયામ કરવા સૂચન કરાયું છે. 208 પાનાંનાં પુસ્તકની કિંમત રૂ. 10 રાખવામાં આવી છે.