Shri Ram Mandir Bhumi Pujan Protocol



શ્રીરામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન

 05-08-2020, Wednesday

આજે આખું વિશ્વ અયોધ્યામાં નવા યુગના પ્રારંભનું સાક્ષી બનશે. 500 વર્ષ લાંબી રાહ જોયા પછી ભગવાન રામના જન્મસ્થળે ભવ્ય મંદિર બનાવવાનું કામ શરૂ થશે. અગાઉ મંગળવારે સવારે હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી હતી અને ભૂમિ પૂજા કરવાની મંજૂરી માંગવામાં આવી હતી.

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું કે, અયોધ્યાનો આત્મા પેઢીઓથી જે બેચેની જીવી રહ્યો હતો તે હવે પૂરી થઇ રહી છે. મંગળવારે સાંજે સૂર્યદેવ અસ્તાચળમાં ગયા તો ખરા પણ સવારની રાહ જોવામાં અયોધ્યાની આંખોમાંથી ઊંઘ ઊડી ચૂકી છે. ખુલ્લી આંખોમાં ઉલ્લાસિત સપનાં છે. બુધવારની સવાર 500 વર્ષ બાદ અયોધ્યાની ક્ષિતિજ પર નવો પ્રકાશ લઇને આવશે. રામલલ્લાની જન્મભૂમિ પર તેમના મંદિરના પુન:નિર્માણનું સપનું સાકાર થશે.

ભવ્ય રામમંદિર માટે ભારત સહિત દુનિયાભરના રામભક્તોનું સપનું પૂરું થવાની શુભ ઘડી બપોરે બરાબર 12.39.20 વાગ્યે આવશે. 32 સેકન્ડના શુભ મુહૂર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ સંસ્કારિત શિલાઓનું પૂજન કરશે. પોતાના આરાધ્યના ભવ્ય મંદિરનું સપનું સાકાર થતું જોઇને અયોધ્યામાં ત્રેતાયુગ જેવો ઉત્સાહ છે. લાગે છે કે રઘુકુળમાં રઘુનંદન ફરી અવતરિત થયા છે. જાણે રામલલ્લા પારણામાં ઝૂલી રહ્યા છે. દરેક ઘરના આંગણામાં પુત્રજન્મનાં મંગળગીતો ગૂંજી રહ્યાં છે.

અયોધ્યાના મઠ-મંદિરોના આંગણામાં ક્યાંક કૌશલ્યાના રામ, ક્યાંક દશરથ નંદન રામ, ક્યાંક વાલ્મીકિના રામ તો ક્યાંક તુલસીના રામ દેખાઇ રહ્યા છે. સમાજ તેમના અભિનંદન માટે આતુર છે. રામલલ્લાના અવતરણથી ભાવવિભોર અયોધ્યા પણ સજી-ધજીને તૈયાર છે. આખી નગરીમાં ઉત્સવ, ઉલ્લાસ અને આહલાદનો માહોલ છે. નર-નારી, બાળકો, વૃદ્ધો બધા પ્રફુલ્લ આત્માથી તેમના દર્શન કરશે. કેવી રીતે કહૂં- સમઝતી બનયી જાય બખાનીહર્ષાતિરેક છે. અયોધ્યાની ઘણી પેઢીઓ બેચેનીમાં જીવી છે. અયોધ્યા સૂની-સૂની લાગતી હતી, જાણે રામને અનિશ્ચિતકાળનો વનવાસ થઇ ગયો હોય. બિનુ અવધેશ અવધ કિમિ કાજૂ. પરંતુ હવે બેચેની પૂરી થઇ રહી છે. અયોધ્યા જાણે છે કે હવે કોઇ વિઘ્ન નથી.

 

આજનો કાર્યક્રમ: પહેલા ભાગવતજી પછી મોદીજીનું સંબોધન

વડાપ્રધાન મોદી અયોધ્યામાં લગભગ 3 કલાક રોકાશે. ભૂમિપૂજન પહેલાં તેઓ રામલલ્લા અને હનુમાનગઢીમાં પણ પૂજા કરશે.

 

ભૂમિપૂજનનો વડાપ્રધાનનો કાર્યક્રમ

સવારે 9:35 વાગ્યે દિલ્હીથી 10:35 વાગ્યે લખનઉ પહોંચશે.

l 10:40 વાગ્યે હેલિકોપ્ટરમાં અયોધ્યા રવાના.

l 11:30 વાગ્યે સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ.

l 11:40 વાગ્યે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ દર્શન-પૂજન.

l 12 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં પહોંચશે. 10 મિનિટ શ્રીરામલલ્લાના દર્શન-પૂજન.

l 12:15 વાગ્યે રામલલ્લા પરિસરમાં પારિજાતનો છોડ રોપશે.

l 12:30 વાગ્યે ભૂમિપૂજન કાર્યક્રમનો શુભારંભ. દરમિયાન શ્રીગણેશજી તથા અન્ય દેવોની વંદના, પ્રધાન શિલાપૂજન સંકલ્પ, ભૂમિપૂજન, અષ્ટ ઉપશિલા પૂજન તથા મુખ્ય કૂર્મશિલાનું પૂજન થશે.

l 12.39.20 વાગ્યે 32 સેકન્ડના શુભ મુહૂર્તમાં ભૂમિપૂજન. ત્યાર બાદ વડાપ્રધાનનું સંબોધન થશે. તે પહેલાં આરએસએસના વડા મોહન ભાગવત પણ સંબોધન કરશે.

l 2:05 વાગ્યે પીએમ પાછા ફરશે.

 

મહેમાનને ચાંદીનો સિક્કો અપાશે

ભૂમિપૂજનમાં આમંત્રિત મહેમાનોને પ્રસાદરૂપે ચાંદીનો સિક્કો અપાશે. તેની એક બાજુએ ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી, રામ દરબારનું ચિત્ર, બીજી બાજુ ટ્રસ્ટનું ચિહન છે.

લાંબો વિલંબ સાર્થક: અડવાણી

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે તેઓ ખુશ છે. રામમંદિર આંદોલનમાં નસીબથી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાની તક મળી હતી. ઘણીવાર લાંબો વિલંબ સાર્થક હોય છે.

શુભ ઘડી

આજે બપોરે 12:39:20 વાગે 32 સેકન્ડનું મુહૂર્ત, દરમિયાન ભૂમિપૂજન, અષ્ટ ઉપશિલા પૂજન, મુખ્ય કૂર્મશિલા પૂજન થશે. ( કૂર્મશિલા રામલલ્લાના મંદિરમાં વિરાજમાન થવાના સ્થાનની બરાબર નીચે રહેશે.)

12:44થી 12:45 વાગ્યા સુધી

યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય શિલા પર નવરત્ન જડિત પંચધાતુથી બનેલું કમળપુષ્પ અર્પિત કરતા પ્રતિષ્ઠાપયામિનું ઉચ્ચારણ કરશે અને કાર્ય પૂર્ણ થઈ જશે.