Private School Fees A2Zસ્કૂલ ફીના વિવાદનું સંપૂર્ણ વિશ્લેષણ 

સ્કૂલ ફી અંગેના ગુજરાત સરકારના પરિપત્રનો છેદ ઉડાડી ગુજરાત હાઇકોર્ટે આજે વિધિવત રીતે ચુકાદો આપી ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની મંજૂરી આપી છે. તેની સાથે સાથે ટકોર કરી કે, હવે ખાનગી સ્કૂલોએ ટ્યુશન સિવાયની કોઇપણ ફી માટેનો ચાર્જ કરવો જોઇએ. ઉપરાંત હાઈકોર્ટે સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહીં લઇ શકે તેવી ટકોર કરી છે. પહેલા 31 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ્દ કર્યો હતો.

અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ માટે કોઇ વધારાની ફી લેવી જોઇએ નહીં: હાઈકોર્ટ

હાઈકોર્ટ મુજબ, અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ માટે કોઇ વધારાની ફી લેવી જોઇએ નહી. ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી.પારડીવાલા અને ચીફ જસ્ટિસ વિક્રમનાથની બેચે સ્કૂલ ફીના મુદ્દે આપેલા ચુકાદામાં વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ શરૂ રાખવા પણ જણાવ્યું છે.

ટૂંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે: શિક્ષણ મંત્રી

હાઇકોર્ટના ચુકાદા અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, હાલમાં જ્યારે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે શિક્ષણ પ્રક્રિયા બંધ છે ત્યારે વિદ્યાર્થીઓની ફી સંબંધે આજે નામદાર હાઈકોર્ટે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા જે આદેશ કર્યો છે, તે આદેશના પગલે શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક યોજશે. આજે નામદાર હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલ PIL સંદર્ભમાં આપેલ વિગતવાર ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકોનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ.

ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જે બી પારડીવાલાની બેન્ચે આપેલા ચુકાદાના મહત્ત્વના મુદ્દાઓ

·   આપણી પાસે કોઈ વૈકલ્પિક શિક્ષણ પ્રણાલિ નથી, માટે વિદ્યાર્થીઓની શિક્ષણની જરૂરિયાત માટે દેશભરની સ્કૂલો-શિક્ષકો કઠિન પરિશ્રમ કરી રહ્યા છે.

·   ઓનલાઈન શિક્ષણ પ્રણાલિ હેઠળ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ પરિશ્રમજનક છે, માટે તેમના પ્રયાસોને અવગણી શકાય નહીં.

·    વ્યાવસાયિકો તરીકે શિક્ષકોને તેમના પરિશ્રમ બદલ સમયસર મહેનતાણું મળવું જરૂરી છે. માટે સ્કૂલો વાજબી ટ્યુશન ફી વસૂલે તો તેમાં વાંધો નથી.

·       સ્કૂલો અને વાલીઓ બંનેની સર્વોચ્ચ પ્રાથમિકતા બાળકો છે. સંશોધકો-ફિઝિશિયનોનું માનવું છે કે બાળકો લાંબો સમય સ્કૂલથી અલિપ્ત રહે તો તેમની શીખવાની શક્તિ જીર્ણ થઈ શકે છે.

·      સ્થિતિમાં વાલીઓએ સ્વીકારવું પડે કે, હાલના તબક્કે ઓનલાઈન શિક્ષણ બાળકોને શીખવવા માટે સ્કૂલ તરફથી કરાતો શ્રેષ્ઠ પ્રયાસ છે અને સ્કૂલોને તેમના પ્રયાસ બદલ ફી મળવી જોઈએ.

·     સામેપક્ષે સ્કૂલોએ પણ વાલીઓની આર્થિક તકલીફોનું ધ્યાન રાખવું પડે. ઘણા વાલીઓની નોકરી જતી રહી છે અને ઘણાના વેતનમાં નોંધપાત્ર રકમનો કાપ મૂકાયો છે.

·      હાલની સ્થિતિને જોતાં સ્કૂલોએ બિન-નફાકારક અભિગમ કેટલાક મહિનાઓ સુધી અપનાવવો પડે અને વાલીઓની આર્થિક સંકડામણ પ્રત્યે પણ સહાનુભૂતિ દાખવવી પડે.

·     સ્કૂલો ફક્ત ટ્યુશન ફી વસૂલી શકે. ઈતર-શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેની ફી સ્કૂલ વસૂલી શકશે નહીં.

·       સ્વનિર્ભર સ્કૂલોનું સંચાલન માત્ર અને માત્ર ફી પર નભે છે. આવામાં ફી નહીં મળે તો આવી સ્કૂલો બંધ થશે અને હજારો-લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય જોખમાશે.

·        સરકારને લાગતું હોય કે શિક્ષણ તો સેવાનું કાર્ય છે તો શા માટે તે કોલેજોમાં ટ્યુશન ફીની વસૂલાત બંધ નથી કરતી? કેમ સ્કૂલ અને કોલેજ બંનેમાં ફીની વસૂલાત બંધ નથી રાખતી?

·        શા માટે રાજ્ય સરકાર પોતાના દ્વારા સ્થાપિત ટ્રસ્ટ સંચાલિત મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો તેમજ ખાનગી કોલેજોમાં ફીની વસૂલાત બંધ નથી કરતી?

·     શિક્ષણ સંસ્થાઓનું કામકાજ ચાલુ રહે તે માટે વાલીઓએ ટ્યુશન ફી ભરવી પડે. હા, ફીની ચૂકવણી માટે તેમને હપ્તા કે માસિક ધોરણે ચૂકવણીની વ્યવસ્થા સ્કૂલોએ કરી આપવી પડે.

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારી પરિપત્રના નિયમ 4.1 તેમજ અગાઉ રાજ્ય સરકારના 16મી જુલાઈ, 2020ના પરિપત્રના નિયમ 4.3 અને 4.4ને હાઈકોર્ટ દ્વારા રદબાતલ ઠેરવવામાં આવે છે.

રાજ્ય સરકારને હાઈકોર્ટ તરફથી ટકોર કરાય છે કે સ્વનિર્ભર સ્કૂલના સંચાલકોની બેઠક બોલાવીને વચલો રસ્તો કાઢવામાં આવે જેથી સ્કૂલો અને વાલીઓ બંનેના હિતો જળવાય.

શું છે ફી, ઓનલાઈન શિક્ષણ અને વાલીઓ વચ્ચેનો વિવાદ

છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રાજ્યના શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી લેવાનું શરૂ કર્યું હતું. મામલે અનેક વાલીઓએ સરકારમાં રજૂઆતો કરી હતી પરંતુ સરકાર પણ ચૂપ બેઠી હતી. જ્યારે વાલીઓ બિચારા બનીને સંચાલકોના દબાણમાં ફી અને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરી હતી. શાળા સંચાલકો દ્વારા ફી માટે ભારે દબાણ થતા કેટલાક વાલીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરકાર કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને અનુસરશે. વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ થાય ત્યાં સુધી કોઈ પણ સ્કૂલ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરીમાં બાળકો માટે રીસેસ સાથેના બે સેશન રાખવા તાકીદ કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો.

27 જુલાઈએ ફરી ઓનલાઈન ક્લાસ શરૂ થયા

સરકારના ઓનલાઈન શિક્ષણના નિર્ણય બાદ ખાનગી સ્કૂલોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તે માટે સોમવારથી ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરી દેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 27 જુલાઈથી ફરી ઓનલાઇન એજ્યુકેશન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

હાઈકોર્ટે ઓનલાઈન શિક્ષણના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો

ત્યાર બાદ 30 જુલાઈએ સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ઓનલાઇન શિક્ષણનો નિર્ણય યોગ્ય છે. વાલીઓને ફી ભરવામાં તકલીફ હોય તો રાજ્ય સરકાર કેમ મદદ નથી કરતી? સરકાર મામલે યોગ્ય માળખું ઉભું કરે તો આવા પ્રશ્નો ના ઉપસ્થિત થાય. જ્યારે 31 જુલાઈએ હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ્દ કરી દીધો હતો.

Tags: Online Education, School Fees, Tuition Fees, High Court, Government, Students, parents