Bowler With Helmet



ટી-20 ક્રિકેટમાં ખેલાડીએ હેલ્મેટ પહેરી કરી બોલિંગ 

ક્રિકેટમાં અવારનવાર રસપ્રદ કિસ્સાઓ જોવા મળતા હોય છે. ગત વર્ષે ધર્મશાલામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન અમ્પાયર બ્રુસ ઓક્સનફર્ડ હાથમાં ગાર્ડ પહેરીને મેદાનમાં રમવા માટે ઊતર્યો હતો. ઉપરાંત મહિલા વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની ઓલરાઉન્ડર ડિએન્ડ્રા ડોટિનને ફિલ્ડિંગ દરમિયાન અજીબો ગરીબ માસ્ક પહેરેલી જોવા મળી હતી.
હવે ન્યૂઝીલેન્ડમાં હેમિલ્ટન ખાતે રમાયેલી એક ટી-20 મેચમાં ઓટેગો ટીમનો ફાસ્ટ બોલર વોરેન બર્ન્સ હેલ્મેટ પહેરીને બોલિંગ કરવા ઊતર્યો હતો. જોકે, ત્રણેય કિસ્સાઓમાં એમ માનવામાં આવતું હતું કે ખેલાડીઓએ બેટ્સમેનોના શોટ્સથી બચવા માટે હેલ્મેટનો ઉપયોગ કર્યો હતો.

ટી-20 મેચમાં નોર્ધર્ન નાઇટ્સના બેટ્સમેનોના શોટ્સથી બચવા માટે 25 વર્ષીય વોરેન બર્ન્સે હેલ્મેટ પહેરી હતી. હેલ્મેટની ડિઝાઇન બર્ન્સ અને તેના કોચ રોબ વોલ્ટરે કરી હોવાનું જાણવામાં આવ્યું હતું. દેખાવમાં તે સાઇકલિંગમાં ઉપયોગ થનારા હેલ્મેટ જેવું લાગતું હતું. મેચમાં બર્ન્સે ૩૩ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.

જોકે, નોર્ધર્ન નાઇટ્સ નિર્ધારિત 20 ઓવરમાં ૨૧૨ રનનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી અને જેના કારણે બર્ન્સ પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. બર્ન્સની ટીમ જવાબમાં ફક્ત ૧૦૬ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
બર્ન્સની ટીમના કોચે જણાવ્યું હતું કે બર્ન્સ બોલિંગ કરતી વખતે બોલને છોડયા બાદ તરત નીચે ઝૂકી જતો હતો જેને કારણે તેનું માથું આગળની સાઇડે આવી જતું હતું જે તેના માટે ખતરનાક સાબિત થઇ શકે તેમ હતું. જો સમયે કોઇ બેટ્સમેન સ્ટ્રેટ ડ્રાઇવ મારે તો તેના માથામાં ઇજા થવાની શક્યતા વધી જતી હતી.