Master Plan for Final



રવિવારે IND vs SL વચ્ચે ફાઇનલ, ભારતે બનાવ્યો માસ્ટર પ્લાન
ભારત અને શ્રીલંકાની ટીમ રવિવારે વિશાખાપટ્ટનમમાં વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં ટકરાશે ત્યારે બંને ટીમની નજર મેચ જીતી સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે. યજમાન ભારતીય ટીમ પર હોમ ગ્રાઉન્ડ પર વર્ષ 2015 બાદ પ્રથમ વાર વન-ડે સિરીઝ હારવાનો ખતરો મંડરાયો છે જ્યારે મહેમાન ટીમ પાસે ભારતની ધરતી પર પ્રથમ વાર દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી ઇતિહાસ રચવાની તક છે.
બંને વચ્ચે ધર્મશાલામાં રમેયાલી પ્રથમ વન-ડેમાં શ્રીલંકાએ સાત વિકેટે વિજય મેળવ્યો હતો જ્યારે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહેલા રોહિત શર્માએ બીજી વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી જેની મદદથી ભારતીય ટીમે 141 રને મેચ જીતી સિરીઝમાં 1-1ની બરાબરી મેળવી હતી.
બંને ટીમો માટે મુકાબલો કરો યા મરો સમાન છે પરંતુ કેપ્ટન રોહિત શર્મા પર મેચમાં બેવડી જવાબદારી છે. ભારતીય ટીમ પ્રથમ વન-ડે હારી જતાં રેન્કિંગમાં નંબર વન બનવાની તક ગુમાવી ચૂકી છે પરંતુ જો નિર્ણાયક મેચ હારસે તો વર્ષ 2015 બાદ ઘરેલૂ સિરીઝમાં હારનો સામનો કરવો પડશે.
ભારતીય બોલરો સિરીઝમાં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે અને તેમની પાસે મેચમાં પણ સારા દેખાવની આશા રાખવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમના અગાઉના રેકોર્ડને જોતાં વિકેટ બેટ્સમેનોને મદદગાર બની રહેશે તેમ લાગી રહ્યું છે. પ્રથમ 10 ઓવરમાં સારી બોલિંગના મહત્ત્વને ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બુમરાહ ઉપરાંત લકમલ અને મેથ્યુઝ પણ સારી રીતે સમજે છે. મેથ્યુઝ સ્વસ્થ થતાં શ્રીલંકન આક્રમણ મજબૂત બન્યું છે. તેમ છતાં બીજી વન-ડેમાં રોહિત શર્માએ શ્રીલંકન બોલરોને ફટકાર્યા હતા જેને કારણે મેચમાં આત્મવિશ્વાસ મેળવવો એક મોટો પડકાર બની રહેશે.
બીજી વન-ડેમાં રોહિત ઉપરાંત શિખર ધવન અને શ્રૈયસ ઐયરે અડધી સદી ફટકારી હતી જ્યારે ધોનીએ પ્રથમ મેચમાં પોતાના અનુભવનો ઉપયોગ કરતાં હાફ સેન્ચુરી લગાવી હતી. ભારતીય ટીમે બીજી વન-ડેના દેખાવને ધ્યાને રાખતાં ત્રીજી વન-ડેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવાની શક્યતા નથી. જેને કારણે અજિંક્ય રહાણેને ત્રીજી વન-ડેમાંથી પણ બહાર બેસવાનો વારો આવી શકે છે.
શ્રીલંકન બેટિંગક્રમમાં ઉપુલ થરંગા સૌથી અનુભવી છે જેની પાસે સારા પ્રદર્શનની આશા રહેશે. લાહિરુ થિરિમાને, ગુણાથિલકા અને ડિક્વેલા પણ સાતત્યપૂર્ણ દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
વિશાખાપટ્ટનમમાં ભારતનો મજબૂત રેકોર્ડ
ભારતીય ટીમે વિશાખાપટ્ટનમાં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ સાત વન-ડે મેચ રમી છે જે પૈકી પાંચમાં વિજય થયો છે જ્યારે એક મેચમાં હાર મળી હતી. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ભારતને અહીં 2014માં વેસ્ટ ઇન્ડીઝે પરાજય આપ્યો હતો જ્યારે ભારતે ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે 190 રને જીત મેળવી સિરીઝ પોતાના નામે કરી હતી. વખતે પણ ભારત પાસે વિશાખાપટ્ટનમમાં શ્રીલંકાને હરાવી સિરીઝ પોતાના નામે કરવાની તક છે.
ભારતે સતત સાત દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી છે
ભારતીય ટીમને વર્ષ 2015માં સાઉથ આફ્રિકાએ ભારતની ધરતી પર 3-2થી વન-ડે સિરીઝ જીતી હતી તે પછી ભારતીય ટીમે સાત દ્વિપક્ષીય વન-ડે સિરીઝ રમી છે અને સાતેય સિરીઝમાં જીત મેળવી છે. ભારતે 2016માં ઝિમ્બાબ્વેને તેની ધરતી પર 4-1થી હરાવી સિરીઝ જીતી હતી. તે પછી 2016માં ન્યૂઝીલેન્ડ સામે હોમગ્રાઉન્ડમાં 3-2થી સિરીઝ પર કબજો જમાવ્યો હતો. ભારત પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમને 2-1થી હાર આપી હતી. વર્ષે જૂન મહિનામાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે ગઈ હતી ત્યાં 3-1થી સિરીઝ જીતી હતી જ્યારે શ્રીલંકાને તેની ધરતી પર 5-0થી હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ ત્યારબાદ ભારતપ્રવાસે આવી હતી જેમાં ભારતે 4-1થી સિરીઝ જીતી હતી જ્યારે શ્રીલંકાને 2-1થી પરાજય આપ્યો હતો.