આમલકી
એકાદશી : કથા અને માહાત્મ્ય
ફાગણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી ગુજરાતમાં આમલકી એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્વયં ભગવાન વિષ્ણુએ આમલકી એકાદશીનું મહાત્મ્ય વર્ણવ્યું છે. જે કરવાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી વિશેષ શુભ સમય લઈને આવી છે. કારણ કે આ દિવસે પુષ્ય નક્ષત્ર પણ છે. માટે આ એકાદશી અત્યંત શ્રેષ્ઠ છે. અક્ષય નવમીની જેમ જ આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આમલકી એકાદશીમાં આંબળાના વૃક્ષની નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ એકાદશીનો અનેક પુરાણોમાં પણ ઉલ્લેખ છે. એવી માન્યતા છે કે આમલકી એકાદશીના દિવસે સૃષ્ટિનો આરંભ થયો હોવાનું માનવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં આંબળાના વૃક્ષની ઉત્પતિ થઈ હોવાનું માનવામાં આવે છે.
આમલકી એકાદશીની કથા
કહેવાય છે કે સૃષ્ટિના આરંભમાં વિષ્ણુની નાભિથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના મનમાં જિજ્ઞાસા પેદા થઈ કે તે કોણ છે અને તેમની ઉત્પતિ કેવી રીતે થઈ. આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તે પરબ્રહ્મની તપસ્યા કરવા લાગ્યા. બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ભાવ વિહ્વળ થયેલા બ્રહ્માજીના આંસૂ તેમના ચરણો પર પડ્યા. તેમાંથી આંબળાનું વૃક્ષ ઉત્પન્ન થયું. બ્રહ્માજીની ભક્તિથી ભગવાને કહ્યું કે આ આંસુઓથી ઉત્પન્ન આ વૃક્ષ અને તેના ફળ મને અતિ પ્રિય રહેશે. જે પણ આમલકી એકાદશીના દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરશે તેના સારા પાપનો નાશ થશે. તે મોક્ષની પ્રાપ્તિનો અધિકારી બનશે.
સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પ્રતિમાની સમક્ષ હાથમાં પાણી અને તુલસીના પાન લઈને સંકલ્પ કરવો કે હું ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તેમજ મોક્ષની પ્રાપ્તિ માટે આમલકી એકાદશીનું વ્રત રાખું છું. મારું આ વ્રત સફળતાપૂર્વક પૂર્ણ થાય. એનાથી શ્રીહરિ મને પોતાની શરણમાં રાખે. સંકલ્પ પછી ષોડશોપચાર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. ભગવાનની પૂજાની સામગ્રી લઈને આંબળાના વૃક્ષ પાસે જઈને તેની પૂજા કરવી. સૌથી પહેલાં તો વૃક્ષની નીચેની તેમજ આસપાસની જગ્યા વાળીને ચોખ્ખી કરવી. પછી તેને થોડી જગ્યામાં ગાયના છાણનું લિંપણ કરીને ગાર કરવી. આ રીતે પવિત્ર થયેલી જમીન પર એક વેદી બનાવીને તેના પર કળશ સ્થાપન કરવું. આ કળશમાં દેવતાઓ, તીર્થો અને સાગરને આમંત્રિત કરવા. કળશમાં સુગંધી અને પંચ રત્ન રાખવા. તેની ઉપર પાંચ પાન રાખવા. પછી દીવો કરવો. કળશના કંઠમાં શ્રીખંડ ચંદનનો લેપ કરવો. વસ્ત્રો પહેરવા. અંતમાં કળશની ઉપર શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામની મૂર્તિ સ્થાપિત કરવી અને વિધિવત રૂપે પરશુરામજીની પૂજા કરવી.
ઘરે વિષ્ણુ ભગવાનનું વિધિવત પૂજન કરો તેમાં વિષ્ણુ ભગવાનના હજાર નામ લઈને તૂલસીપત્ર કે ચોખા ચડાવવા.. પૂજા પછી આરતી કરવી, પ્રસાદ ચડાવવો.
રાત્રે ભગવત કથા તેમજ ભજન કીર્તન કરતાં પ્રભુ સ્મરણ કરવું. દ્વાદશીનના દિવસે સવારે દાન દક્ષિણા સાથે પરશુરામની મૂર્તિ સહિત કળશ બ્રાહ્મણને ભેટમાં આપી દેવો. પછી પારણાં કરવા. તેમજ અન્ન અને જળ ગ્રહણ કરવા. આંબળાનું વૃક્ષ ઉપલબ્ધ ન હોય તો આંબળાનું ફળ વિષ્ણુ ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવું. આ દિવસે આંબળાનું દાન કરવું.
જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી આંબલકી એકાદશીનું વ્રત કરે છે તેના ઈશ્વરના સઘળાં આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. મૃત્યુ પર્યંત તેનો મોક્ષ થાય છે. Source