અભ્યાસક્રમમાં ગીતાને કેમ સમાવવામાં આવી?
ગુજરાત સરકારે નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શાળાઓમાં ભગવદગીતાને અભ્યાસક્રમમાં સમાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી આવનારા
દિવસોમાં વિવાદનું થશે તેવું જાણકારો માની રહ્યા છે.
ગુજરાત સરકારના આ નિર્ણય બાદ કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશીએ સૂચન
કર્યું છે કે ગુજરાતની જેમ દરેક રાજ્યની સરકારોએ સ્કૂલોમાં ભગવદગીતા ભણાવવા અંગે
વિચાર કરવો જોઈએ.
સમાચાર એજન્સી એએનઆઈને કેન્દ્રીયમંત્રીએ કહ્યું, "ભગવદગીતા આપણને
નૈતિકતા શીખવે છે. એ આપણને સમાજકલ્યાણ પ્રત્યે આપણી જવાબદારી દર્શાવે છે. તેમાં
અનેક નૈતિક કહાણીઓ છે, જે આપણા વિદ્યાર્થીઓને પ્રેરિત કરી શકે છે. દરેક રાજ્યની સરકારોએ આ
અંગે વિચાર કરી શકે છે."
ગુજરાતમાં અભ્યાસક્રમમાં ભગવદગીતાને સામેલ કરવાની જાહેરાત બાદ હવે
કર્ણાટક સરકાર આ અંગે વિચારણા કરી રહી છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર,
કર્ણાટકના શિક્ષણમંત્રી બી. સી. નાગેશે કહ્યું
હતું કે, આ અંગે હાલમાં મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ સાથે વિચારણા ચાલી રહી છે.
શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગુરુવારે વિધાનસભામાં શિક્ષણ બજેટ રજૂ કરતી
વખતે જાહેરાત કરી હતી કે આગામી શૈક્ષણિક સત્રથી પહેલા ધોરણથી ફરજિયાત અંગ્રેજી
ભાષા અને છઠ્ઠા ધોરણથી અભ્યાસક્રમમાં ભગવદગીતાનો સમાવેશ કરવામાં આવશે.
સરકારના નિર્ણય પ્રમાણે, અભ્યાસક્રમમાં ગીતાનાં બોધપાઠ અને પઠન બન્નેનો સમાવેશ કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના સેક્રેટરી વિનોદ રાવે સમાચારપત્ર ઇન્ડિયન ઍક્સપ્રેસને
જણાવ્યું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં તબક્કા વાર ગીતા અંગે
ભણાવવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે ભગવદગીતા માટે કોઈ અલગ વિષય નહીં હોય. માત્ર
જે-તે વિષયમાં તેના પાઠનો ઉમેરો કરવામાં આવશે.
જોકે, સરકારના આ નિર્ણયથી બાળકોના માનસ પર પડનારી અસર અને ધાર્મિક લાગણીઓના
મુદ્દાને લઈને જાણકારો વિવાદ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. બાળકો પર સરકારના આ
નિર્ણયની અસર જણાવતાં શિક્ષણશાસ્ત્રી પ્રફુલ ગઢવી કહે છે, "બાળકોને ગીતાના
શ્લોક ભણાવવામાં કંઈ ખોટું નથી પણ તેના લીધે વિવાદ થવાથી લઈને વિદ્યાર્થીઓના
અભ્યાસ પર તેની વિપરીત અસર પડવા સુધીની શક્યતાઓ ઊભી થાય છે."
બાળકો પર પડતી અન્ય અસરો અંગે પ્રફુલ ગઢવી કહે છે કે આમ કરવાથી અન્ય
ધર્મનાં બાળકોમાં લઘુતાગ્રંથી અથવા તો પોતાનું ઓછું મહત્ત્વ હોવાનો અહેસાસ થવાની
સંભાવના છે. તેઓ આગળ કહે છે, "ઉપરાંત વિવાદ થવાથી બાળકોમાં પોતાના ધર્મને લઈને અસમંજસ પણ ઉદ્ભવી શકે
છે. તેઓ આગળ જતાં પોતે ભારતીય હોવાની જગ્યાએ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે જૈન હોવાની માનસિકતા ધરાવતાં થઈ જશે, કારણ કે બાળપણથી જ
તેમનામાં ધાર્મિકપણાનાં બીજ જુદી રીતે રોપાયાં હશે.
શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ શિક્ષણ વિભાગ કઈ રીતે અભ્યાસક્રમમાં ભગવદગીતાને ઉમેરશે તે અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "ધોરણ છથી આઠમાં ભગવદગીતાની વાર્તાઓ પઠન સ્વરૂપે લેવામાં આવશે. ધોરણ
નવથી 12માં પાઠ્યપુસ્તકમાં ગીતાનો પરિચય આવશે. વાર્તાપઠન ઉપરાંત નાટ્ય
સ્વરૂપની સ્પર્ધા, શ્લોકપૂર્તિ, નિબંધ જેવી સ્પર્ધાઓ પણ રાખવામાં આવશે." આ નિર્ણય પાછળનું
કારણ જણાવતાં તેમણે કહ્યું કે બાળકોમાં મૂલ્યો,
ભારતીય સંસ્કૃતિનું યોગ્ય સિંચન કરવા અને 'નૈતિકતા' વધારવા માટે આ
નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના નિવેદનને ટાંકીને તેઓ કહે છે, "તેઓ (શિક્ષણમંત્રી)
ગીતાને અભ્યાસમાં લાવીને વિદ્યાર્થીઓને નૈતિકતાના પાઠ ભણાવવાની વાત કરી રહ્યા છે, તો શું અત્યાર સુધી
બાળકોને નૈતિકતા નહોતી ભણાવવામાં આવતી?"
તેઓ આગળ કહે છે, "શું માત્ર ભગવદગીતામાં જ નૈતિકતાના પાઠ છે, કુરાન, બાઇબલ કે ગુરુ
ગ્રંથસાહિબમાં નૈતિકતાની વાત જ નથી."
નૈતિકતાના નામે શિક્ષણમાં ધર્મને લાવવા અંગે હસમુખભાઈ ચિંતા વ્યક્ત
કરે છે. તેઓ કહે છે, "જો આમ થતું રહેશે તો આપણે આવનારી પેઢીને ધર્મના નામે વિકાસ નહીં પરંતુ
વિનાશના દ્વારે મોકલીશું." પ્રફુલ ગઢવીના કહેવા પ્રમાણે ઍજ્યુકેશન સિસ્ટિમમાં કોઈ એક ધર્મના
પ્રચાર હેતુ કંઈક ઉમેરવામાં આવે તો તે બંધારણની વિરુદ્ધ છે. ભણતરમાં બાઇબલ, ગીતા કે કુરાન ન આવી
શકે. તેઓ આગળ જણાવે છે, "જો બાળકોને અભ્યાસમાં ભગવદગીતા ભણાવવામાં આવશે તો અન્ય ધર્મના લોકો
તેનો વિરોધ કરશે અથવા તો પોતાના ધર્મનો પણ સમાવેશ કરવા રજૂઆતો કરી શકે છે અને આ
નિર્ણય સામે કોર્ટમાં પણ જઈ શકે છે. મામલો કોર્ટમાં જવાથી તેની સીધી અસર બાળકોના
અભ્યાસ પર પડશે."
બંધારણની જોગવાઈ પ્રમાણે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. જેથી આ મામલો
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પડકારી શકાય તેવું પ્રફુલ ગઢવીનું માનવું છે.
અમદાવાદ ઍજ્યુકેશન ગ્રૂપના સલાહકાર ઝંકૃત આચાર્ય આ બન્નેની વાત સાથે
સહમત નથી.
તેઓ કહે છે, "શિક્ષણ વિભાગ મોડેથી જાગ્યો છે. તેમણે પહેલેથી ગીતાના પાઠ અભ્યાસક્રમમાં
રાખવા જોઈતા હતા, કારણ કે ગીતામાં મૅનેજમૅન્ટના એવા બોધપાઠ છે, જે બાળકોને નાનપણમાં
શીખવવામાં આવે તો તેમના જીવનની લડત સરળ થઈ જાય."
ટીકાકારોને તેઓ કહે છે, "લોકોએ તેને ધાર્મિક ગ્રંથના બદલે બિનસાંપ્રદાયિક ગ્રંથ તરીકે જોવો જોઈએ. જેથી બાળકોને સારું શિક્ષણ મળી રહે."